જમીન અને સંપત્તિ જીવનમાં વારંવાર ખરીદવામાં આવતી નથી અને લોકોના સમગ્ર જીવનની કમાણી તેને બનાવવામાં ખર્ચાઇ જાય છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ પાસે આ પ્રમાણપત્ર નથી, તો તેઓ તેમના સંપત્તિના અધિકારો ગુમાવી શકે છે. આ સિવાય તમારે બેન્કિંગથી લઈને જીવનમાં અનેક બાબતોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી પરિણીત મહિલાઓએ આ સર્ટિફિકેટ જરૂર બનાવી લેવું જોઇએ. અહીં અમે લગ્નના પ્રમાણપત્રની વાત કરી રહ્યા છીએ. ભલે તમે કોઈપણ ધર્મના રીતિ-રિવાજો અને પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હોય. તમારે તમારા લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઇએ. મેરેજ સર્ટિફિકેટ તમારી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.


પ્રોપર્ટી રાઇટ્સને  સુરક્ષિત રાખે છે મેરેજ સર્ટિફિકેટ


જો તમે પરિણીત મહિલા છો અને હજુ સુધી તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો પછી તમારે તેને શક્ય તેટલી વહેલી તકે બનાવવું જોઈએ. જો તમારી પાસે આ પ્રમાણપત્ર નથી તો તમારા પતિના મૃત્યુ પછી તમને મિલકતના અધિકારોની માંગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત મેરેજ સર્ટિફિકેટ નહી હોય તો સાસરિયા તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેઓ લગ્નને ગેરકાયદેસર જાહેર કરી શકે છે અને મહિલાને તેના હકની મિલકતમાંથી બાકાત કરી શકે છે.


ભારતમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ મેરેજ સર્ટિફિકેટ લગ્નને કાયમી કાનૂની માન્યતા આપે છે. આજકાલ મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્નનું પ્રમાણપત્ર મેળવે છે. જ્યારે દેશની અનેક મહિલાઓને મેરેજ સર્ટિફિકેટના ફાયદાઓ ખ્યાલ નથી. મેરેજ સર્ટિફિકેટ એ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ લગ્ન પછી તેમની અટક બદલતી નથી.


હિંદુ મેરેજ એક્ટ-1955ની કલમ 8 મુજબ હિંદુ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જો કે, દરેક રાજ્યમાં આ જરૂરી નથી અને કલમ 8 મુજબ લગ્ન નોંધણી વગર પણ માન્ય ગણવામાં આવે છે, કારણ કે હિંદુ લગ્નની માન્યતા તેમના ધાર્મિક વિધિઓ અને રિવાજો પર આધારિત છે. જેમાં સાત ફેરા લેવા, મંગળસૂત્ર પહેરવા વગેરેનો સમાવેશ થાય છે.


લગ્નનું પ્રમાણપત્ર ન હોવાના અન્ય ગેરફાયદા


ઇટીના રિપોર્ટ અનુસાર, જો તમારી પાસે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી તો તમારા લગ્નની માન્યતા પર કોઈ અસર થતી નથી, પરંતુ તેનાથી ઘણાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે ઘરેલુ હિંસા, ત્રાસ અથવા વૈવાહિક બળાત્કાર વગેરેના કિસ્સામાં કેસ નોંધવામાં મુશ્કેલી આવી શકે છે. તમારે પાસપોર્ટ મેળવવામાં, વિદેશમાં સ્થાયી થવા અને મુસાફરી દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.