વિશ્વમાં સૌથી મોંઘું પ્રાઈવેટ જેટ આવી જ સવલતો ધરાવે છે. દુનિયાનું સૌથી મોંધું પ્રાઈવેટ જેટ બોઈંગ 747 રીફીટ છે. તેની કિંમત 62 કરોડ ડોલર એટલે કે લગભગ રૂપિયા 5000 કરોડ. બોઈંગ 747માં ફેરફાર કરીને બનાવાયેલું આ પ્લેન એક આલિશાન એપાર્ટમેન્ટ જેવું જ છે ને તેમાં મોંઘાદાટ એપાર્ટમેન્ટ જેવી બધી સવલતો તો છે જ વધારામાં તેમાં એક રેસ્ટોરન્ટ પણ છે. એક સાથે 10 લોકોને પાર્ટી આપી શકાય, ડાંસ કરી શકાય એવી આ રેસ્ટોરન્ટ છે.
વિશ્વના શ્રેષ્ઠ ઈન્ટીરિયર ડીઝાઈનર પાસે લેધરનું ઈન્ટીરિયર ડીઝાઈનિંગ કરાવેલું આ પ્લેન સામ્ન્ય લોકોને કલ્પના પણ ના આવે એવી બીજી ઘણી સવલતો ધરાવે છે. તેના બેડરૂમમાં સૂતાં સૂતાં તમે બહારનું અવકાશ છે તે જોઈ શકો ને તેના બાથરૂમના ટબમાં સૂઈને તમે ખુલ્લા આકાશ નીચે હો તેવો અનુભવ કરી શકો છો. જમીનથી દસ હજાર ફૂટ ઉંચા ઉડતા ઉડતાં બાથટબમાં પડ્યા પડ્યા આકાશમાં જોવાની સાહ્યબી કોઈ ધનિકને જ પરવડી શકે.
જો કે રસપ્રદ વાત એ છે કે, આ પ્લેનનો માલિક કોણ તેની દુનિયાને ખબર નથી. વિશ્વનાં મોટાં શહેરોના એરપોર્ટ પર આ પ્રાઈવેટ જેટ ઘણી વાર ઉતરી ચૂક્યું છે છતાં આ જેટનો માલિક કોણ એ સવાલનો જવાબ બહુ ઓછા લોકો જાણો છે. તેનું કારણ એ કે આ પ્લેનના માલિકની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.
બોઈંગે પોતાના પ્લેનને પ્રાઈવેટ પ્લેનમાં બદલવામાં આવ્યું છે તેની વિગતો જાહેર કરી હતી. આ પ્રાઈવેટ જેટની કિંમત જાહેર કરી, તેની અંદરની તસવીરો પણ જાહેર કરી પણ તેનો માલિક કોણ તે જાહેર નથી કર્યું. જેટ ખરીદનારે પોતાની ઓળખ છતી નહીં કરવાની શરતે જ આ જેટ ખરીદવામાં આવ્યું હતું તેથી અત્યાર સુધી તો આ ઓળખ જાહેર કરાઈ છે.
વિશ્વનું સૌથી મોંઘુ પ્રાઈવેટ જેટ કોનું તેની ખબર ના પડે તેથી મીડિયાને ચટપટી થાય જ. અમેરિકા અને યુરોપમાં તો ધનિકોની લાઈફસ્ટાઈલ બહુ રસનો વિષય છે તેથી આ પ્લેન કોનું તેની અટકળો ચાલ્યા જ કરે છે. મીડિયા પણ તેનો માલિકને શોધી નાંખવા મથ્યા કરે છે અને તેમાં બે નામ બહાર આવ્યાં છે. એક અહેવાલ પ્રમાણે આ પ્લેન મેક્સિકોના અજજોપતિ કાર્લોસ સ્લિમ હેલુનું છે તો બીજા મીડિયા અહેવાલના મતે આ પ્લેન રશિયાના અબજોપતિ રોમન અબ્રામોવિચનું છે. કેટલાક એવું પણ માને છે કે આ પ્લેન કોઈ માફિયાનું છે કે જે પોતાનાં ડીલ હવામાં ઉડતાં ઉડતાં કરવા માટે આ પ્લેનનો ઉપયોગ કરે છે.