Sagar Wall Collapse: મધ્યપ્રદેશના સાગરમાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં દિવાલ ધરાશાયી થવાને કારણે 8 બાળકોના મોત થયા છે, જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ છે. મૃત્યુ પામેલા લોકો 10 થી 14 વર્ષના બાળકો હતા. કહેવામાં આવી રહ્યું છે કે શાહપુરામાં મંદિર પાસે લોકો પાર્થિવ  શિવલિંગ બનાવી રહ્યા હતા. આ દરમિયાન  બાળકો પર દિવાલ ધરાશાયી થતાં 8 બાળકો મોતના મુખમાં હોમાઇ ગયા.


મધ્યપ્રદેશના સાગરમાં પાર્થિવ  શિવલિંગ  બનાવી રહેલા બાળકો પર 50 વર્ષ જૂના ઘરની દિવાલ તૂટી પડી હતી. આ અકસ્માતમાં આઠ બાળકોના મોત નીપજ્યા છે જ્યારે ઘણા બાળકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.


સાગર જિલ્લાના વહીવટી અને પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, શાહપુરા વિસ્તારમાં આવેલા હરદોઈ શિવ મંદિરમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિવલિંગ બનાવવા માટે એકઠા થયા હતા. અહીં શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના સાથે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરના પરિસરની નજીક જ્યાં વિદ્યાર્થીઓ ભગવાન શિવનું શિવલિંગ બનાવી રહ્યા હતા, ત્યાં મલ્લુ કુશવાહ નામના વ્યક્તિનું ઘર હતું જે ઘણું જૂનું હતું. ભારે વરસાદને કારણે આ ઘરની દિવાલ નબળી પડી ગઈ હતી. તે પડી જવાથી મોટો અકસ્માત સર્જાયો હતો. દિવાલ માથે પડતાં  8 બાળકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય ઝડપથી શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.


મૃત્યુ પામેલા બાળકોમાં તેમની ઓળખ થઈ હતી.


રવિવાર હોવાથી સાગરમાં શાળાઓમાં રજા હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિવલિંગ બનાવવા માટે ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની ઓળખ દિવ્યાંશ, વંશ, નિતેશ, ધ્રુવ, દિવ્યરાજ, સુમિત પ્રજાપતિ, ખુશી, પર્વ વિશ્વકર્મા તરીકે થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત બાળકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમની સારવાર ચાલી રહી છે . આ ઘટના અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.