Modi Government 9 Years: કેન્દ્રમાં સત્તામાં રહેલી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે મોદી સરકારને 9 પ્રશ્નો પૂછ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક પુસ્તિકા બહાર પાડીને કહ્યું કે, અમારી પાર્ટી પીએમ મોદીને નવ પ્રશ્નો પૂછી રહી છે, અમે જાણવા માંગીએ છીએ કે પીએમ મોદી આ સવાલોના જવાબ માટે ક્યારે મૌન તોડશે.
આ પ્રસંગે જયરામ રમેશે નવ વર્ષ નવ પ્રશ્નો નામની પુસ્તિકાનું વિમોચન કર્યું અને કહ્યું કે, આ એ જ પ્રશ્નો છે જે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન વારંવાર પૂછ્યા છે. અમે તમને આ રિપોર્ટમાં જણાવીશું કે કોંગ્રેસે મોદી સરકારને કયા પ્રશ્નો પૂછ્યા છે.
- દેશમાં મોંઘવારી અને બેરોજગારી શા માટે આસમાને છે? તમે તમારા મિત્રોને જાહેર મિલકત કેમ વેચી રહ્યા છો?
- ખેડૂતોની આવક બમણી કેમ ન થઈ? ખેડૂતો માટે MSP કાયદો કેમ ન બન્યો?
- LIC અને SBIમાં જમા કરાયેલા સામાન્ય લોકોના પૈસા અદાણીને ફાયદો પહોંચાડવા માટે કેમ ડાયવર્ટ કરવામાં આવે છે? અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? પીએમ જવાબ કેમ નથી આપતા?
- ચીનને લાલ આંખ બતાવવાની વાત કરનાર PMએ ચીનને ક્લીનચીટ કેમ આપી જ્યારે તે આપણી જમીન પર કબજો કરી રહ્યું છે?
- PM એ જણાવવું જોઈએ કે, વિભાજનની રાજનીતિનો ચૂંટણી લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સમાજમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે?
- મહિલાઓ, દલિતો, લઘુમતીઓ પર થતા અત્યાચાર પર પીએમ કેમ મૌન છે? જાતિની વસ્તી ગણતરીની માંગ પર પીએમ કેમ મૌન છે?
- બંધારણીય અને લોકશાહી સંસ્થાઓ કેમ નબળી પડી રહી છે? શા માટે વિપક્ષી નેતાઓ અને સરકારોને નિશાન બનાવવામાં આવે છે?
- મનરેગા જેવી યોજના કેમ નબળી પડી રહી છે?
- કોરોનામાં ગેરવહીવટને કારણે જીવ ગુમાવનારા 40 લાખ લોકોના પરિવારોને ન્યાય કેમ ન મળ્યો?