રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ની યુનાઈટેડ રશિયા પાર્ટીમાં ભારતીય મૂળના એક ધારાસભ્ય છે, કે જે યુક્રેન પર દેશના આક્રમણના સમર્થનમાં સામે આવ્યા છે. એક મીડિયા રીપોર્ટ મુજબ, ડૉ. અભય કુમાર સિંઘ (Dr. Abhay Kumar Singh) રશિયામાં  ભારતના ધારાસભ્યની સમાંતર એક ડેપ્યુટેટ છે જે યુક્રેન સામે રશિયાની લશ્કરી કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યાં છે અને દાવો કરે છે કે યુક્રેન સામે યુદ્ધમાં જવાનું નક્કી કરતા પહેલા તેને વાતચીત માટે પૂરતી તક આપવામાં આવી હતી. તેમણે કહ્યું "જો યુક્રેન નાટોમાં જોડાય, તો તે નાટો દળોને આપણી નજીક લાવશે કારણ કે યુક્રેન આપણો પાડોશી છે અને તે કરારનું ઉલ્લંઘન હશે." 


ડૉ. અભય કુમાર સિંઘે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ અને સંસદ પાસે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે, તેમણે યુક્રેન પર પરમાણુ હુમલો શરૂ કરવાની ચિંતાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે પુતિને જાહેરાત કરી છે કે પરમાણુ કવાયત ફક્ત તે જ પરિસ્થિતી માટે કરવામાં આવી રહી છે જેમાં રશિયા પર અન્ય દેશ દ્વારા હુમલો કરવામાં આવે અને તેનો જવાબ આપવો પડે.


મૂળ બિહારના વતની છે  ડૉ. અભય કુમાર સિંઘ
ડૉ. અભય કુમાર સિંઘ મૂળ બિહારના વતની છે. તેમનો જન્મ બિહારના પટનામાં થયો હતો અને 1991માં ડોક્ટરનો અભ્યાસ કરવા રશિયા ગયા હતા . તેઓ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે ભારત પાછા આવ્યા પરંતુ રશિયા પાછા ગયા અને ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ વ્યવસાય શરૂ કર્યો. તેઓ 2015માં પુતિનની પાર્ટીમાં જોડાયા હતા. 2018 માં તેમણે પશ્ચિમી રશિયન શહેર કુર્સ્કમાંથી પ્રાંતીય ચૂંટણી જીતી હતી. 


ખાર્કિવમાં રશિયા અને યુક્રેનના સૈનિકો વચ્ચે અથડામણ 
દરમિયાન, રશિયન એરબોર્ન સૈનિકો બુધવારે પૂર્વ યુક્રેનિયન શહેર ખાર્કિવ (Kharkiv)માં ઉતર્યા હતા, યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે બંને સેના વચ્ચે અથડામણ થઇ હતી.  યુક્રેનના લશ્કરે મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું, "રશિયન એરબોર્ન સૈનિકો ખાર્કિવમાં ઉતર્યા ... અને સ્થાનિક હોસ્પિટલ પર હુમલો કર્યો."