Haryana Violence:નૂહ હિંસાએ હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં તણાવ અને સાંપ્રદાયિક અથડામણોને વેગ આપ્યો છે. એક મુસ્લિમ પરિવારે હિન્દુ પિતા-પુત્ર અને મહિલા પોલીસકર્મીનો જીવ બચાવીને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાત ઉદાહરણ પુરુ પાડ્યું છે. આજે એ હિન્દુ પરિવાર સુરક્ષિત છે અને જિંદગીનો શ્રેય મુસ્લિમ પરિવારને આપે છે.


નૂહ હિંસાની આગ હરિયાણાના અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ સહિત અનેક સ્થળોએ હાઈ એલર્ટ છે. પોલીસ ફોર્સ તૈનાત છે. કોમી તણાવ ફેલાઈ રહ્યો છે. આ સાંપ્રદાયિક હિંસા અને તણાવ વચ્ચે પ્રેમ અને સદભાવનાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જ્યારે કોમી અથડામણ થઈ ત્યારે એક મુસ્લિમ પરિવારે હિન્દુ પિતા-પુત્ર અને એક મહિલા પોલીસકર્મી માટે તેના દરવાજા ખોલ્યા. હુમલાખોરો આ પીડિતોનો પીછો કરી રહ્યા હતા અને તેઓ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. મુસ્લિમ પરિવારે તેને આશરો આપીને તેનો જીવ બચાવ્યો હતો. પરિવારે તેમને હુમલાખોરોથી બચાવ્યા એટલું જ નહીં, તેમને ભોજન પણ કરાવ્યું.  ઘરની બહાર ગાર્ડ મૂકીને તેમની સુરક્ષા પણ કરી જેથી કોઈ તેમના પર હુમલો ન કરી શકે.


સોમવારે સાંજે હુમલાખોરો વિખેરાઈ ગયા હતા અને  પોલીસની ટીમ  શેરીઓમાં  તૈનાત હતી ત્યારે પરિવારે પિતા અને પુત્રને મુસ્લિમ પ્રતીકોવાળી ટી-શર્ટ અને મહિલા પોલીસકર્મીને બુરખો આપ્યો જેથી તેઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે.


પિતા-પુત્ર પોપર્ટી ખરીદવા ગયા હતા


સોહના નિવાસી પ્રોપર્ટી ડીલર કરણ સિંહ અને તેનો નાનો પુત્ર વિવેક નુહના પિનાંગવાનમાં પ્લોટ જોવા ગયા હતા. પરત ફરતી વખતે પિતા-પુત્ર બંનેએ બ્રિજ મંડળની જલાભિષેક યાત્રામાં ભાગ લેવાનું નક્કી કર્યું. આ યાત્રા નલ્હારના શિવ મંદિર તરફ જઈ રહી હતી. તેઓ બંને આ યાત્રામાં જોડાયા  થોડા કિલોમીટર ચાલ્યા હતા કે અચાનક હુમલો થયો. આ હુમલામાં 5નાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.


મુસ્લિમ પરિવારે સેવા આપી હતી


નજીકના વિસ્તારમાં 15 લોકોનો મુસ્લિમ સંયુક્ત પરિવાર રહેતો હતો. અહીં પિતા પુત્ર અને મહિલા પોલીસકર્મીએ આશ્રય માટે દરવાજો ખખડાવ્યો અને આ પરિવારે તેને આશ્રય આપ્યો. ભોજન કરાવ્યું અને ત્યારબાદ સુરક્ષિત ઘરે રવાના કર્યાં. રમખાણ અને તોફાનો વચ્ચે આ સદભાવની ઘટના ખરેખર પ્રેરણાદાયક છે.