અમદાવાદઃ કોરોનાને લઈ અમદાવાદ વાસીઓ માટે ચિંતાનજક સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 189 કેસ નોંધાયા હતા, તેની સામે 139 લોકો ડિસ્ચાર્જ થયા હતા. દિવાળીના તહેવારમાં અમદાવાદની બજારોમાં કિડડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે કોરોના વકર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ જ સ્થિતિ રહેશે તો ફરીથી અમદાવાદમાં કોરોના તાંડવ મચાવી શકે છે.

અમદાવાદ શહેરમાં વકરતાં જતા કોરોના સામે લડવા એએમસી તંત્ર સજ્જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં  74 ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલો તરીકે કાર્યરત છે. જેમાં કોર્પોરેશનના ક્વોટાની કુલ 1745 અને પ્રાઇવેટ કવોટાની 2107 એમ કુલ 3852 બેડ ઉપલબ્ધ છે.

રાજ્યમાં કોવિડ-19ના નવા 1125 નવા કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3779 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે, જ્યારે 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,171 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,844 પર પહોંચી છે.