અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો ઘટ્યા પછી ફરીથી સંક્રમણ વધવાનું શરૂ થયું છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મોત થતાં લોકો ફફડી ગયા છે.


મળતી વિગોત પ્રમાણે રાણીપ વિસ્તારમાં આજથી એટલે કે 26મી ઓક્ટોબરથી 4 નવેમ્બર, 10 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. રાધાસ્વામી રોડ પર આવેલી 50થી વધુ સોસાયટીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. તેમજ કોરોનાના સંક્રમણથી બચવા ઘરની બહાર ન નિકળવા વિનંતી કરવામાં આવી છે. આ અંગેના રાણીપમાં બેનર પણ લગાવાયા છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ લોકડાઉનમાં જોડાઇ છે. દિવાળીના સમયે સંક્રમણ ન વધે તે માટે રાણીપની સોસાયટીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. સામાજિક સંગઠનોએ લોકોને ઘરમાં સુરક્ષિત ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોનું નિધન થતાં લોકોમાં ફરીથી કોરોનાનો ડર ફેલાયો છે.



છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 919 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 લાખ 67 હજાર 173 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 હજાર 689 પર પહોંચ્યો છે.



રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો કુલ આંક હવે 1.50 લાખની નજીક છે. રાજ્યમાં હાલ 13 હજાર 936 એક્ટિવ કેસ છે. જ્યારે 65 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 166 , ગ્રામ્યમાંથી 61 સાથે કુલ 227 નવા કેસ નોંધાયા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 35 હજાર 559 છે.અમદાવાદમાં શહેરમાં 162 અને ગ્રામ્યમાં 12 સાથે નવા 174 સાથે કુલ કેસનો આંક 41 હજાર 455 છે. વડોદરા શહેરમાં 72 અને ગ્રામ્યમાં 43 સાથે 115, રાજકોટ શહેરમાં 65 અને ગ્રામ્યમાં 32 સાથે 97 નવા કેસ નોંધાયા.. વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક હવે 15 હજારને પાર થઇને 15140 થયો છે.