અમદાવાદઃ ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. ઉપરાંત અનેક શ્રમિક ટ્રેનો અને એસટીની બસો પણ અમદાવાદથી જુદા જુદા રાજ્યમાં જવા માટે રવાના થવાની છે.

આજે અમદાવાદથી ઉપડનારી ટ્રેનો અને ગુજરાતની એસટી બસોમાં જનારા મુસાફરો માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સુધી મુસાફરોને પહોંચાડવા માટે એએમસીએ 100 એએમટીએસ બસની ફાળવણી કરી છે. AMTSની આ બસોમાં મુઝફ્ફરપુર અને ફૈઝાબાદ જવા માટેના મુસાફરોને લઈ જવામાં આવશે.

યૂપીના બસ્તી અને વારાણસી જવા માટે એસટીની ખાસ બસો દોડાવવામાં આવશે. આ માટે સરકારે ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે.

આ સાથે જ સોલા પોલીસ, ઘાટલોડિયા પોલીસ, વસ્ત્રાપુર પોલીસ, સેટેલાઇટ પોલીસ, સાબરમતી પોલીસ, રાણીપ પોલીસને સંકલનની જવાબદારી સોંપવામા આવી છે.