અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ" (SBS) અમદાવાદે તેના 2019-21ની બેચના PGDM/PGDM-C વિદ્યાર્થીઓ માટે ઓફ લાઈન પરંપરાગત 10મો દિક્ષાંત સમારોહ ઉજવ્યો હતો. આ સમારોહમાં કુલ 181 વિદ્યાર્થીઓએ તેમના પીજી ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા.કોરોના લોકડાઉનના લાંબા સમય બાદ આ ઓફ લાઈન પરંપરાગત દિક્ષાંત સમારોહ યોજાયો હતો.




 આ સમારોહમાં અજય ભટ્ટ, પ્રેસિડેન્ટ , ગ્લોબલ હ્યુમન રિસોર્સિસ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મુખ્ય મહેમાન હતા. જ્યારે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ બ્રિજમોહન ચિરીપાલે કરી હતી.  વિશાલ ચિરીપાલ પણ સમારોહમાં હાજર રહ્યા હતા. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ વિદ્યાર્થીઓ અને ગવર્નિંગ બોર્ડના સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેમણે મેરિટોરીયસ એવોર્ડ અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓની પણ જાહેરાત કરી હતી.    


કુમારી પાયલ સતાનીને ઓવર ઓલ ટોપર ઓફ ધ ક્લાસ 2019-21 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ અજય ભટ્ટે એવોર્ડ અને મેડલ મેળવનાર તમામ ઉમેદવારોને અને તેમના  માતા-પિતાને  અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અર્થતંત્ર ઊંચા દર સાથે સફળતાપૂર્વક વિકાસ કરી રહ્યું છે, ત્યારે મને લાગે છે કે દેશમાં વધુ ને વધુ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ હોવી તે જરૂરી અને મહત્વપુર્ણ છે. તેમણે વિધ્યાર્થીઓને જીવનમાં ત્રણ મહત્વના ગુણો  "બી ફોકસ, બિલિવ ઈન યોરસેલ્ફ, અને બી હંબલ" પર ભાર મુકવા જણાવ્યું હતું. કોવિડ-19 ની માર્ગદર્શિકા મુજબ આ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.