અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે જ દિવસમાં અલગ અલગ જગ્યાએથી 11 લાશો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે 6 અને ગઈ કાલે 5 લાશો અલગ અલગ જગ્યાએથી મળી આવી હતી. આજની વાત કરીએ તો મહેસાણામાં વિસનગરના કાંસા ગામના તળાવમાં યુવકની લાશ મળી આવી છે. 32 વર્ષીય યુવક હરણાંહોડા ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકની તળાવમાંથી લાશ મળવાનું કારણ અકબંધ છે. વિસનગર તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી તાલુકાના ગુરુકુલ સુપા પાસે આવેલ પૂર્ણા નદીના પુલ ઉપરથી યુવકે ઝંપલાવ્યું હતું. ઝંપલાવનાર યુવક સુરત ખાતે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો હતો. બે દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર યુવક ચાલ્યા ગયો હતો. આજે સવારે એની કાર નવસારી ખાતે આવેલ સુપા ગામના બ્રિજ પાસેથી લાવારીસ હાલતમાં મળતા સુરત ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી હતી. બે કલાક નદીમાં શોધ્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો. મૃતદેહને બહાર કાઢીને સુરત ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યો. મરનાર યુવકનું નામ રોની કુમાર પટેલ છે. સૂસાઇડ કરવાનું કારણ અકબંધ છે.
વડોદરામાં કરજણ જુના બજાર વિસ્તારના તળાવમાંથી બે લાશ મળી આવી છે. એક જ દિવસમાં બે લાશ તળાવમાંથી મળી આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. કરજણ તળાવમાં એક 65 વર્ષીય પુરુષ અને અન્ય એક ઇસમની લાશ મળી આવી છે. અમદાવાદમાં સાણંદના તેલાવ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 2 યુવકોની લાશ મળી છે. પોલીસે લાશનો કબજો લઇને વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. નવસારી
ગઈ કાલની વાત કરીએ તો ભરૂચમાં કબીરવડ ખાતે નર્મદા નદીમાં 4 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 2 યુવકની લાશ મળી અન્ય 2 લાપતા હોવાની આશંકા છે. નદીમાં ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા હતા. આ સિવાય સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા મૃતક મહિલાની ઓળખ કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયામાં આ કેનાલમાં ડૂબવાથી 4ના મોત થયા છે.
ગઈ કાલે બનાસકાંઠામાં થરાદ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી તરતા બે મૃતદેહ મળી આવ્યા હતા. યુવક-યુવતીની તરતી લાશ જોવા મળતાં પાલિકાની ટીમના તરવૈયાઓ દ્વારા બન્નેની લાશોને કેનાલમાંથી કાઢવામાં આવી હતી. જેમાં પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગી થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. મૃતકોના વાલી વારસો સ્થળ પર આવી પહોંચતાં બંને યુવક-યુવતી લાખણીના હોવાનું જાણવા મળ્યું હતું. આધાર કાર્ડમાં યુવકનું નામ કમલેશભાઇ હરજીભાઇ વજીર લખેલું હતું. જ્યારે યુવતી પાસેથી સાદો મોબાઈલ મળી આવ્યો હતો.