Unseasonal Rain: રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.  જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે.


 



વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં  1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે. 


રાજકોટમાં બપોર બાદ ફરી કરા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. શાપર, પારડી અને શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. જેના કારણે ખેતીપાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા.  કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે. રાજકોટમાં ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, થોરાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડતાં તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.


 






 હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોળ વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થયા છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.







વડોદરા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત

વડોદરાના શિનોરમાં વરસાદી માહોલે જમાવટ કરી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે.  લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ હોવાથી વરસાદના કારણે લગ્નના રંગમાં પણ ભંગ પડ્યો છે. અનેર સ્થળોએ લગ્નના મંડપ ભીજાયા હતા.


વલસાડના તિથલમાં ભારે પવન સાથે વરસાદ,છાપરા ઉડ્યા જનજીવન પ્રભાવિત



રાજ્યમાં સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વલસાડમાં ભારે પવનના સાથે વરસાદ ખાબકતા લારી ગલ્લાના છાપરા ઉડ્યા હતા.  તિથલમાં લારી ગલ્લા ઉપરના છાપરા ઉડ્યા ઉડ્યા હતા.લારી-ગલ્લાના છાપરા ઉડતા દોડધામ મચી ગઇ હતી.