અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા ઘણાં સમયથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે અને લોકો ડિજિટલ વોલેટ અને બેંકોની એપ્લીકેશન મારફત ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. આ રસ્તો લોકો માટે પૈસાની લેવડ-દેવડ માટે ખૂબ સહેલો હોવાથી લોકપ્રિય બન્યો છે. પરંતુ આવા ડિજિટલ વોલેટ અને એપ્લીકેશન વાપરતી વખતે ચેતવાની જરૂર છે. જો તમે ધ્યાન નહીં રાખો તો તમે સાઇબર ક્રાઇમનો ભોગ બની શકો છો.


આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. પેટીએમ kyc કરવાને બહાને પરિવાર સાથે રૂપિયા 14 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આંબાવાડીના આસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય દેસાઇ સાથે આ ઘટના બની છે. તેમને પેટીએમ અપડેટ નહીં થાય તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવા મેસેજ બાદ ફોન આવ્યો હતો.

તેમજ ફોન કરનારે પહેલા તો ફોન પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ નંબર માંગ્યા હતા, જે આપ્યા પછી ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને ઓટીપી મેળવીને ગઠિયાએ 14 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, લોકોને આવા વોલેટ અને બેંકો દ્વારા વારંવાર જાણ કરવામાં આવતી હોય છે કે, બેંકો દ્વારા એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર કે ઓટીપી માંગવામાં આવતો નથી. તેમજ કોઈ વ્યક્તિ તમને બેંકના નામે આ વિગતો માંગે તો આપવી નહીં. આમ છતાં, તમે જો અજાણી વ્યક્તિને આ વિગતો આપો તો તમારી સાથે ફ્રોડ થઈ શકે છે.