Gujarat Corona Case Update: ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસોમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. જ્યાં પહેલા 300થી 350ની આસપાસ કેસ સામે આવતા હતા ત્યાં હવે 200ની અંદર કેસ સામે આવવા લાગ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે.  આ ઉપરાંત આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં 55 સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 38 કેસ, સુરતમાં 28 અને  મહેસાણામાં 11 કેસ સામે આવ્યા છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ



હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.


 



રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખીરસરા, મેટોડા, ચીભડા, ગામની આસપાસ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  રાજકોટ જિલ્લાના લોધીકા મેટોડા જીઆઇડીસી તેમજ ખીરસરા મેટોડા ગામના આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.


જામનગરમાં વાતાવરણમાં પલટો 


હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરના કાલાવડમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. નીકાવા, શીશાંગ, આણંદપર, વડાલા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે.


અમરેલીમાં વરસાદી માહોલ 


અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ કહેર જોવા મળી રહ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભાના મોટા સમઢીયાળા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સમઢીયાળામાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદ વરસતા બાગાયત પાકને નુકસાન કરી શકે છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.


કચ્છમાં પણ વાતાવરણ પલટાયું


ભુજના ડગાળા ગામમાં ભારે પવનના કારણે પતરાં ઉડ્યા છે. પતરાં બે બાઇક અને કાર ઉપર ખાબક્યા હતા. બાઇકો અને કારને નુકશાન પહોચ્યું છે. ડગાળા ગામમાં વરસાદ અને ભારે પવનના કારણે વાતાવરણ તોફાની બન્યું હતું.


પાટણમાં કાળા વાદળો છવાયા


હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. હારીજ અને સમી પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. પવન સાથે પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને અનેક ગણી નુકસાની જવાની ભીતિ વધી છે. જે અંતર્ગત જુનાગઢ જિલ્લાના ખેડૂતોની વાત કરવામાં આવે તો તેમનું કહ્યું છે કે માવઠાથી ઘણું ખરું તેઓને નુકસાન થયું છે. ઘઉં, ચણા સહિતના પાકમાં મોટા પાયે નુકસાની નોંધાય છે. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે સરકાર ત્વરિત તેમને સહાય જાહેર કરે.  વંથલી પંથકના શાપુર ગામના ખેડૂતોનું કહેવું હતું કે હજુ સુધી તેમની નુકસાની અંગે કોઈ પણ અધિકારી સર્વે કરવા માટે આવ્યા નથી. જેને લઇ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ખેડૂતોનું કહેવું હતું કે સરકાર વાયદાઓ કરવાને બદલે સત્વરે સહાય કરે તેમાં જ ખેડૂતોનું હિત સમાયેલું છે.