અમદાવાદ શહેરમાં તો કોરોનાના કેસો સતત વધી જ રહ્યા છે. સાથે સાથે અમદાવાદ ગ્રામ્યમાં પણ ચિંતાજનક રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 4716 કેસો નોંધાયા છે. જ્યારે 778 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 298 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 20708 લોકો ક્વોરોન્ટાઇનમાં છે.
અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ જાહેરાતનો અમલ ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે.ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા હતા.