આ કેસમાં બંને યુવતીનાં માતાપિતાને આ લેસ્બિયન પ્રેમ અંગે જાણ થઈ એટલે તરત જ બંને મહિલા કોન્સ્ટેબલ પર અલગ થવા માટે દબાણ કર્યુ હતું. એક યુવતીના પિતાએ તો મહીસાગર પોલીસમાં અરજી કરીને મદદ પણ માગી હતી.જો કે પોલીસે તેમને જવાબ આપ્યો હતો કે બંને પુખ્ત વયની યુવતીઓ છે અને તેમને સાથે રહેવું હોય તો રહેવા માટે સ્વતંત્ર છે. આ મુદ્દે પોલીસ કોઈ પગલાં લઈ શકે નહીં તેથી આ અરજી ટકી ના શકે.
આ બંને યુવતી પૈકી એક યુવતી બોટાદની અને બીજી યુવતી દાહોદ જિલ્લાની છે. બંનેની ઉમંર હાલમાં 24 વર્ષ છે. પોલીસમાં ભરતી થયા બાદ ટ્રેનિંગ બાદ આ બંને યુવતીનું પોસ્ટિંગ મહીસાગર જિલ્લામાં થયેલું છે. પોસ્ટિંગ બાદ તેઓ રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતા હતા. એ દરમિયાન બંને વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હોવાની શક્યતા છે. આ બંને મહિલા કોન્સ્ટેબલ યુવતી મહીસાગર જિલ્લામાં ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં છે અને આજીવન સાથે રહેવા માગે છે. 10 જૂને બંનેએ એકબીજા સાથે લિવ-ઈન-રિલેશનશિપના કરાર પણ કર્યા છે.