અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત પ્રતિબંધિત એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સ સાથે રામોલ પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસે એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે મુંબઇના ત્રણ લોકોની ધરપકડ કરી છે, ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોમાં એક મહિલા તેમજ બે પુરૂષનો સમાવેશ થાય છે.


એમ.ડી.ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો


આરોપીઓ પાસેથી 376 ગ્રામ 600 મિલિગ્રામનો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો આ પ્રતિબંધિત ડ્રગ્સની બજારમાં કિંમત 37 લાખથી વધુ થવા જાય છે. પોલીસને શંકા ના જાય તે માટે આ લોકોએ એક 22 વર્ષીય મહિલાને પણ પોતાની સાથે રાખી હતી. પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે નાકાબંધી વખતે ત્રણેય આરોપી ઝડપાયા છે.  મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હોવાની કબુલાત કરી છે. 




સફેદ કલરની સફારી કારને પોલીસે ચેકિંગ માટે ઊભી રાખી


રામોલ પોલીસ CTM એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન  મુંબઈ તરફથી આવી રહેલી સફેદ કલરની સફારી કારને પોલીસે ચેકિંગ માટે ઊભી રાખી હતી. આ દરમિયાન પોલીસની પૂછપરછ દરમિયાન ગાડીની અંદર બેસેલા લોકોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પોલીસને શંકા જતાં ગાડીની તપાસ આદરી હતી. જેમાંથી એક પાર્સલ મળ્યું હતું. પોલીસે આ પાર્સલમાં શું છે તેવો સવાલ કરતાં આરોપીઓએ ગોળગોળ જવાબો આપ્યા હતા. આખરે પોલીસની કડક પૂછપરછ બાદ તેમણે પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કબૂલ્યું હતું. 




પોલીસને શંકા ન જાય તે માટે એક મહિલાને સાથે રાખી


રામોલ પોલીસે પાર્સલ ચેક કરતાં તેમાંથી 376 ગ્રામ 600 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ એમડી ડ્રગ્સની કિંમત  37 લાખ રુપિયાથી વધુની થાય છે. આરોપીઓએ પોલીસને શંકા ન જાય તે માટે એક મહિલાને સાથે રાખી હતી. આ મહિલાનો પતિ મુંબઈ જેલમાં છે. આ મહિલાના પતિને જેલમાંથી બહાર કાઢી આપશે તેવી વાત આરોપીએ આ મહિલાને કરી હતી. પોલીસે ગાડીમાં રહેલા ઐયુબ કુરેશી, નુર ઈસ્લામ શેખ તથા ઐયુબખાનની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ સહિત ત્રણ મોબાઈલ, ગાડી અને રોકડા રૂપિયા કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial