અમદાવાદ :  19 નવેમ્બર રવિવારના દિવસે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. દિલ્હીથી  અમદાવાદમાં  ફાઇનલ મેચ જોવા આવેલા યુવક પાસેથી દારુની બોટલ પકડાયા બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસે 20 હજાર રુપિયાનો તોડ કર્યો હતો. પોલીસના આ તોડકાંડે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. હવે આ કેસમાં  પોલીસ વિભાગે સપાટો બોલાવતા કડક કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ અનુસાર પોલીસ તોડકાંડમાં 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 




પોલીસે 20 હજારનો તોડ કર્યો હતો


દિલ્હીથી આવેલા કાનવ માનચંદા નામના યુવાક પાસેથી પોલીસે 20 હજારનો તોડ કર્યો હતો. કાનવ માનચંદા દિલ્હીથી  એક વોડકાની દારૂની બોટલ લઈને આવ્યા હતા. પોલીસે દિલ્હીના યુવક પાસેથી દારુની બોટલ જપ્ત કરી હતી અને ત્યારબાદ તેની પાસેથી તોડ કરીને 20 હજાર રુપિયા પડાવ્યા હતા. 


નાના ચિલોડા પાસે દારુની બોટલ સાથે પકડાયેલા યુવકને પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં લઇ જવાના બહાને યુવકને આસપાસના વિસ્તારોમાં ફેરવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઇન 20 હજાર રુપિયા પડાવ્યા હતા. જી ડિવિઝન ટ્રાફીક પોલીસ દ્વારા આ તોડકાંડ કરવામાં આવ્યો હતો. 


3 ટ્રાફીક પોલીસ કર્મી અને 7 ટીઆરબી જવાન સસ્પેન્ડ


અમદાવાદ પોલીસ વિભાગના ધ્યાને આવતાની સાથે જ એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં 3 ટ્રાફીક પોલીસ કર્મી અને 7 ટીઆરબી જવાનની તોડકાંડમાં ભૂમિકા સામે આવતા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મી 


મહાવીરસિંહ બહાદુરસિંહ
વિપુલ સિંહ રામસિંહ 
તુષાર ભરત સિંહ 


TRB જવાન


જયેશ માનીચંદ્ર
ભાટી નિતેશ 
ઝાલા પ્રકાશસિંહ  
રાઠોડ યુવરાજસિંહ 
પરમાર વિજય ગીરીશભાઈ
ગૌતમ ધનજીભાઈ
કુશહવા અભિષેક 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશ અને વિદેશથી અનેક મહેમાન મેચની મજા લેવા આવ્યા હતા. દિલ્હીના યુવક સાથે પોલીસે આ પ્રકારે વર્તન કર્યું તેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. દારૂની બોટલ જોઈને કેસ નહિ કરવા માટે પહેલા પોલીસ દ્વારા 2 લાખની માંગણી કરવામાં આવી હતી. જે વાટોઘટો બાદ અંતે  20 હજાર રૂપિયા ખાનગી વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.  આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ  સપાટો બોલાવતા કડક કાર્યવાહી હાથ ધરી છે. 3 પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial