અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44.50 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી દીધા છે. પોલીસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં ગયેલ તમામ રોકડ કબ્જે કરી છે.
તસવીરઃ ચાંગોદરમાં 44.50 લાખની લૂંટના આરોપી.
આ ધાડનું ષડ્યંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ ચાગોદરમાં આવેલ કંપનીમાં કામ કરતો સિક્યુરિટી ગાર્ડ હતો. સિક્યુરિટી ગાર્ડે 7 તારીખે પગાર માટે રૂપિયા લઈને એક કંપનીથી બહાર માણસ જતો હોવાની બાતમી આપી હતી અને આ જ બાતમીના આધારે પાન મસાલાની ફેક્ટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે મજૂરોને ચૂકવવાના પૈસા લઈને સનોજ કુમાર નામના કર્મચારી સાથે નિકળ્યો હતો.
બંન્ને બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતા હતા તે સમયે તેની જ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા બાબુભાઈએ તેમના ભાઈ હરદેવને જાણ કરી હતી. જેથી હરદેવ તેની સાથે અન્ય ચાર લૂંટારુઓ લઈને માથાના ભાગે છરી મારીને સંદીપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે થેલામાં 44.50 લાખની રોકડ રકમ ભરેલી હતી.
આ ઘટના અંગે સંદીપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર, તેના ભાઈ હરદેવ પરમાર, નરેન્દ્ર વાણિયા, ભાવેશ ભરવાડ, રાકેશ મેર અને સુરેશ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.