અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.  પાંચ કેસમાંથી બે પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થયાં છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.


હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કે કોવિડનું નવો સબ-વેરિયન્ટ JN.1 છે, જેના કેસ વધી રહ્યા છે, પરંતુ આનાથી ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે.  આ તરફ ગાંધીનગર આઈઆઈટીમાં પણ કોરોનાની એંટ્રી થઈ છે અને 2 પ્રોફેસરો કોરોના સંક્રમિત થયા છે.  


ફરી એક વખત ડરાવા લાગ્યો કોરોના, એક્ટિવ કેસ 4000 ને વટાવી ગયા; થાણેમાં JN.1 ના પાંચ નવા કેસ


દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા 3742 સક્રિય કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મોત થયું છે. કોવિડ-19ના નવા પેટા વેરિઅન્ટ – JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 128 સક્રિય કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ત્રણ હજારથી વધુ થઈ ગઈ છે. એક નવા દર્દીના મૃત્યુ સાથે, દેશભરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 5,33,334 પર પહોંચી ગયો છે.


દેશભરમાં અત્યાર સુધીમાં 4.44 કરોડ કોરોના સંક્રમિત લોકો સાજા થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવો પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનાથી દર્દીઓ ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં 315 દર્દીઓના કોરોના સંક્રમણ સાજા થયા છે. આ સાથે દેશભરમાં અત્યાર સુધીમાં 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. મહારાષ્ટ્રના થાણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા પ્રકારના પાંચ કેસ નોંધાયા છે.


JN.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં એક મહિલા


મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર પછી 20 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પાંચ સેમ્પલ જેએન.1 વેરિઅન્ટ પોઝીટીવ જણાયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે જેએન.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં એક મહિલા પણ સામેલ છે. કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં સક્રિય કોવિડ -19 કેસોની સંખ્યા 28 છે. તેમાંથી બેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બાકીના ચેપગ્રસ્ત દર્દીઓ તેમના ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.