અમદાવાદઃ કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદમાં લાદવામાં આવેલ 57 કલાકના કર્ફ્યુનો અંત આવ્યો છે. અમદાવાદમાં સવારે છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી તમામ વેપાર,ધંધા, રોજગાર યથાવત રહેશે. જ્યારે આજે રાત્રે નવ વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે.


વડોદરા,સુરત અને રાજકોટમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. ત્યારે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યની જનતાને જાહેર સ્થળો પર ભીડ ન કરવા માટે અપીલ કરી છે. સાથે જ માસ્ક ન પહેરનારાઓને એક હજારનો દંડ કરવાની પોલીસને સૂચના આપી દીધી છે.

મુખ્યમંત્રીએ નાગરિકોને આશ્વાસન આપતા એ પણ જણાવ્યું કે ગભરાવવાની જરૂર નથી. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં બેડ તબીબો અને ત્વરીત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થા કરી છે. મહાનગરો સિવાય રાજ્યના બાકીના નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોને રાત્રે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.