અમદાવાદ: શનિવારે સાંજે પીરાણા-પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી પાંચ મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે આજે સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું.


પીરાણ-પીપળજ રોડ પર નંદન ડેનિમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જોકે ડેનિમ સળગતાં આગ વધુ પ્રસરી હતી. બપોરે 4.30 વાગ્યાની આસપાસ લાગેલી આગને કાબૂમાં મેળવવા માટે ફાયરબ્રિગેડના 50થી વધુ જવાનો અને સંખ્યાબંધ વાહનો જોડી 6 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ બુઝાઈ ગયા બાદ ફાયરના જવાનોએ એક ગોડાઉનનો દરવાજો ખોલતાં તેમાંથી પાંચ મજૂરના મૃતદેહ મળી આવ્યાં હતાં. મૃતકોમાં રોનકબેન રાવત, સુમિત્રાબેન પટેલ, કુંજનભાઈ તિવારી, ભાઈલાલ ભરવાડનો સમાવેશ થાય છે. આજે સવારે એક મજૂરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.