અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે જ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે. રૂપાણી પછી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.


મુખ્યમંત્રીને કોરોના પોઝિટિવ આવતા મંત્રીઓ, હોદ્દેદારોના ટેસ્ટ થશે. સ્થાનિક સ્વરાજના ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા આગેવાનો અને નેતાઓને પણ કોરોના ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં આવેલ 9 નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંત્રી યોગેશ પટેલ અને પ્રદેશ મહા મંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત 6નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડો જીગીષાબેન શેઠ નો RTPCR ટેસ્ટ હજુ પેન્ડિંગ છે. તેમજ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહે કોરોના વેકસીન લીધેલી છે.

નોંધનીય છે કે, નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.