અમદાવાદ: અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે. આ પાર્સલ બ્લાસ્ટ ઘટનામાં એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. મીડિયા અહેવાલ અનુસાર, પાર્સલમાં બેટરી અને બ્લેડ હોવાનું સામે આવ્યુ છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ તપાસ માટે પહોંચી છે. પાર્સલ બોમ્બમાં પ્રથમ ધૂમાડો નિકળ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં પહોંચી છે. રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
બ્લાસ્ટ કરી બે લોકો રિક્ષામાં ફરાર થયા હોવાની આશંકા છે. ફરાર થયેલા બે લોકોને ઝડપી લેવા માટે પોલીસે ટીમો બનાવી છે.
શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બ્લાસ્ટની ઘટના
સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની હતી. પાર્સલ આપતી વખતે બ્લાસ્ટ થયો હતો. પાર્સલ રિસિવ કરતી વખતે જ અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જ્યારે મળતી માહિતી અનુસાર, પાર્સલમાં બેટરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાને લીધે એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાર્સલ બ્લાસ્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારી બાબત સામે આવી છે. પારિવારિક અંગત અદાવતના કારણે પાર્સલ મોકલીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યા હતો. રુપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રુપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે.
છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું હતું. ગૌરવ અને અન્ય બે લોકોને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા.