અમદાવાદના મીઠાખળીમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના મીઠાખળીમાં ત્રણ માળના મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં ચાર લોકો દટાયા હતા. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી બાળકીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઈ હતી. ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું. કાટમાળમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
Surendranagar: ધાંગધ્રામાં વીજ શોક લાગતા 30 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત
ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામનાં 30 વર્ષનાં યુવાનને ઘરમાં સોક લાગતા ઘટના સ્થળે જ મોત થયું છે. ઘરમાં લાઈટ ન હોવાને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાનને વીજ સોક લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું. અચાનક હાથમાં વીજ સોક આવતા યુવાનનાં હાથમાં ઈજાનાં નિશાન જોવા મળ્યા હતા. વીજ સોક લાગતા યુવાનનું મોત થતાં સોકની લાગણી ફેલાઇ છે. યુવાનની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી છે.
રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે.
તો બીજી તરફ ઉપલેટા તાલુકાના સમઢીયાળા અને તલંગણા વચ્ચેનો કોજવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના પાણીના પ્રવાહને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ,એરંડા,મગફળી,સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વાવેતર કરેલ પાકનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડી છે. વહેલીતકે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે