વોલીબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદની LJ યુનિવર્સિટી તરફથી અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તાર સ્થિત એલ. જે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના માધ્યમ થકી અને વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વોલીબોલ લીગ સ્પર્ધા યોજવામાં આવશે. 3 મેના રોજ આ સ્પર્ધાની શરૂઆત થવાની છે, જે 12 મે સુધી ચાલવાની છે. આ સ્પર્ધાની ખાસિયત એ છે કે IPL અથવા તો અન્ય વિવિધ રમતની લીગ સ્પર્ધાની માફક વોલીબોલ સ્પર્ધા માટે સ્પર્ધકોની પસંદગી ઓકશન મારફતે કરવામાં આવી. જેમાં કુલ 88 ખિલાડીઓ હરાજીના માધ્યમથી પસંદગી પામ્યા હતા. 


LJ યુનિવર્સિટી તરફથી છેલ્લા બે વર્ષથી વોલીબોલ ઉપરાંત બાસ્કેટબોલ લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સતત ત્રીજીવાર પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વોલીબોલ લીગ સ્પર્ધા માટે શહેરની જાણીતી હોટલમાં ઓકશનની પ્રક્રિયા રાખવામાં આવી જેમાં આઠ જેટલી વિવિધ ટીમ દ્વારા કુલ 88 સ્પર્ધકોની પસંદગી થઈ હતી. એક ટીમ પાસે બે લાખની મર્યાદા રાખવામાં આવી છે. એક ટીમ તૈયાર કરવા માટે ૧૨ ખેલાડીઓની પસંદ કરવાની તક આપવામાં આવી હતી. એક ખેલાડી માટે બેઝ પ્રાઈઝ રૂપિયા 8 હજારથી લઈને 51,000 સુધી હતી.