અમદાવાદ: શહેરના નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના જ સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, 3 માસ પહેલા જ વૃદ્ધાના પતિએ કંટાળી આપઘાત કરી લીધો હતો. સંતાનોના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનો વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, પોતાના બે પુત્રો અને પુત્રવધૂઓના કારણે એક વૃદ્ધ મહિલાએ પોતાનો પતિ ગુમાવવાનો વારો આવ્યો છે. પુત્રો અને પુત્રવધુઓના ત્રાસના કારણે પોતાના પતિએ કંટાળીને આત્મહત્યા કરવી પડી તેવી ફરિયાદ મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મૃતક છગનભાઈ દેસાઈએ અડાલજ કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું હતું. ફરિયાદી જતનબેન દેસાઈએ આ મુદ્દે પારિવારિક કલેશમાં પોતાના પતિ આત્મહત્યા કરવા પર મજબૂર બન્યા હોય અને તે પાછળ પોતાના પુત્રો અને પુત્ર વધુઓ જવાબદાર હોય ત્યારે આ સમગ્ર મુદ્દાની પોલીસ યોગ્ય તપાસ કરી અને ધોરણસરની કાર્યવાહી કરે તે પ્રકારની માંગણી સાથે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાદ માંગી હતી. આ ઉપરાંત ડીસીપી કક્ષાએથી થયેલ હુકમ અને લોકલ અરજીના આધાર પર સપ્ટેમ્બર મહિનામાં થયેલી આત્મહત્યાના ગુના માટેની એફઆઇઆર છેક મોડે ફેબ્રુઆરી મહિનામાં નોંધાઈ.
અમદાવાદના કોમર્સ છ રસ્તા પાસે આવેલ પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા જતન બહેનની ફરિયાદ છે કે, તેમના બે દીકરાઓ દિનેશ અને રમેશ અને બે પુત્ર વધુ લલિતા અને સુરેખાના ત્રાસના કારણે તેમના પતિ છગનભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું. જીવનભર મહેનત કરીને કમાવેલ મૂડી અને મિલકત આપવા મા બાપ તૈયાર હોવા છતાં તેમને ત્રાસ આપી અને વેદનાઓ સાથે જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા અને આ ત્રાસથી કંટાળીને છગનભાઈએ આત્મહત્યા કરી લીધી.
પુત્રવધુઓની વાતમાં આવીને પુત્રોએ સગા માવતરની પણ દરકાર ન કરી અને તેમની સાથે માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતનાથીૉ પીડાતા છગનભાઈએ પોતાની અને સમાજની વચ્ચે આ ત્રાસના કારણે આબરૂ ગુમાવી હોવાની પોતાની પત્નીને જાણ કરી હતી. આત્મહત્યા કરવા માટે દુષ્પાપ્રેરણ કરવા બદલ આરોપી દિનેશ, રમેશ, લલિતા અને સુરેખા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 306 સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.