સાણંદઃ વિરોચનનગર નજીક આવેલ નરસિંહપુરા નર્મદા બ્રાંચ કેનાલમાં સોમવારે સવારે કાર ખાબકતા ચાલક યુવકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું . કેનાલમાં કાર ખાબકતા આસપાસના લોકો એકઠા થઇ જતા ઘટના અંગે સાણંદ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કારના કાચ તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતક રાધનપૂરનો પંચાલ પ્રતિક કાન્તિલાલ (ઉ.વ.26) હોવાનું સામે આવ્યું છે. સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી કારને ક્રેઈનની મદદથી બહાર કાઢી હતી. મૃતકના ખીસામાંથી આઈડી કાર્ડ મળી આવતા તે રાધનપુરનો પંચાલ પ્રતિક કાન્તિલાલ (ઉ.વ.26 ) હોવાનું સામે આવતા પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. તેમજ લાશને સાણંદ સિવિલ ખાતે પીએમ માટે મોકલી હતી.