અમદાવાદ: એબીપી અસ્મિતા એવોર્ડ સમારંભ – અસ્મિતા સન્માન પુરસ્કારનું આયોજન કરવા સજ્જ છે, જેમાં આપણા સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરી સતત પ્રયાસો થકી રાજ્યના પાયાને મજબૂત કરનાર પ્રસિદ્ધ ગુજરાતીઓનું સન્માન કરવામાં આવશે. આ સમારંભમાં ગુજરાતના પ્રસિદ્ધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમારંભનું પ્રસારણ 20 માર્ચના રોજ રાતે 10 વાગ્યે એપીપી અસ્મિતા પર થશે. 


ગુજરાતે કેટલીક સૌથી વધુ પ્રેરક અને સફળ વ્યક્તિઓ પેદા કરી છે, જેમણે રાજ્યની સાથે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદાન કર્યું છે, તેમજ દેશવિદેશમાં નામના મેળવી છે.  એબીપી અસ્મિતા આ ફ્લેગશિપ કાર્યક્રમમાં સતત ચોથા વર્ષે અસ્મિતા સન્માન પુરસ્કારમાં મહાનુભાવોને બિરદાવશે, જેમણે પોતાની કટિબદ્ધતા, મહેનત અને ઉપલબ્ધિઓ દ્વારા સમાજમાં અવિસ્મરણીય છાપ છોડી છે.


આ સમારંભના મુખ્ય અતિથિ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હશે, જેઓ સંસ્કૃતિ, શિક્ષણ, સાહિત્ય, રમતગમત, મનોરંજન, સંગીત, સામાજિક સેવા અને વ્યવસાયના ક્ષેત્રોમાં વિજેતાઓને એવોર્ડ એનાયત કરશે. આ સમારંભ દરમિયાન એક વ્યક્તિને મહાસન્માન પુરસ્કારથી બિરદાવવામાં આવશે, જે પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા માટે વ્યક્તિને અપાતું સર્વોચ્ચ સન્માન છે, જેઓ રાજ્ય અને રાજ્ય બહાર મોટો પ્રભાવ ધરાવે છે.