Tathya Patel: અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે, અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઇ એક ગુનાનો આરોપી નથી, તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. 


જોકે, આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ના લેવાનું હોય. 


તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ શું બોલી રહ્યાં છે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં.... 
હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ નઇ થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19 - 20 વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું......... ' - હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.



શું છે ગાંધીનગર અકસ્માતની ઘટના - 
ઇસ્કોન બ્રિજ કાંડના આરોપી તથ્ય પટેલ પર હાલમાં જ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તે પોલીસ ફરિયાદ અનુસાર, છ મહિના પહેલાં પણ આરોપી તથ્ય પટેલે જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.




ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જગુઆર કાર ઘૂસાડી હતી. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ તથ્ય પટેલની ફરી ધરપકડ કરી શકે છે. મોવ કાફે અકસ્માત કેસમાં તથ્યની ધરપકડ થઇ શકે છે. ટ્રાફિક પોલીસ ચાર્જશીટ દાખલ કર્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે.




ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, પોલીસે હવે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.