Double Decker Bus: 38 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ. આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે છ ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજર આવશે.


અગાઉ 1985માં ડબલડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા માટે AMCએ ટેંડર પણ બહાર પાડ્યા છે. કોંટ્રાક્ટરોએ 1 ફેબ્રુઆરી સુધીમાં ટેંડર ભરવાનું રહેશે. 6 ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે.


ડબલ ડેકર બસ કયા રૂટ પર દોડાવાશે તેની જાહેરાત એએમટીએસના બજેટમાં થવાની શક્યતા છે. ડબલ ડેકર બસમાં 60થી 65 પેસેન્જરની કેપિસીટી હશે. શહેરમાં અગાઉ લાલ દરવાજા, પાલડી, આશ્રમ રોડ, કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડબલ ડેકર બસ દોડતી હતી.


નોંધનીય છે કે, વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે.


ગાંધીનગરમાં ડબલ ડેકર બસ


મકરસંક્રાંતિના તહેવારે જ ગાંધીનગરમાં નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, ગાંધીનગરથી અમદાવાદ જતાં મુસાફરોને તાજેતરમાં જ ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસની સુવિધા રાજ્ય સરકાર તરફથી મળી હતી, પરંતુ શરૂઆતના બીજા દિવસે બસ રસ્તાંમાં જ ખોટકાઇ જતાં મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં મકરસંક્રાંતિના દિવસે જ ડબલ ડેકર બસ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જોકે, આ બસ બીજા દિવસે રસ્તાં પર હાઇવે પર જ ખોટકાઇ જતાં નવી સર્વિસની લીરેલીરા ઉડ્યા હતાં. મકરસંક્રાંતિના દિવસથી ગાંધીનગર - અમદાવાદ ડબલ ડેકર બસ શરૂ કરાઇ હતી, પરંતુ મંગળવારે અડાલજ નજીક આ નવી અત્યાધુનિક એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખોટકાઇ ગઇ હતી. આ પછી બસનું સંચાલન કરતી ખાનગી કંપનીએ મિકેનીક બોલાવી બસ રિપેર કરવી હતી. બસની શરૂઆતના બીજા જ દિવસે ખોટકાઇ જવાની વાતને લઇને મુસાફરોની વચ્ચે બસ સર્વિસ હંસી મજાકનું પાત્ર બની હતી.