અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા હતા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા તાલીમાર્થીઓએ જૂડો, કરાટે, રેસલિંગ કરી મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાઇફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.

ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં આયશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારવામાં આવશે. સરકારે થ્રિ લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી છે. 50 થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું છે.

ખાસ હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેકટની વાત કરીએ તો ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો છે. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી છે.