અમદાવાદઃ અમદાવાદમાં 15 જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનામાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતાં ત્રણ યુવકના મૃત્યુ નિપજ્યાં છે. વટવાના રહીશ છ મિત્રો વાસી ઉત્તરાયણે પતંગ ચગાવીને તેમની રોજીંદી બેઠક પર બેસવા જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં અલ્પેશ સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 22, રહે. સહજાનંદ કોમ્પલેક્સ, વટવા), રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ (ઉ.વ. 20, રહે. જયમીન પાર્ક વટવા- વિંઝોલ રોડ) અને ભૂપેન્દ્ર સિયારામ યાદવ (ઉ.વ. 21, રહે. જયમીન પાર્ક, વિંઝોલ રોડ, વટવા)નાં મોત નિપજ્યાં છે જ્યારે ત્રણ મિત્ર બચી ગયા છે.
એસ.પી. રીંગ રોડ ઉપર પૂરઝડપે દોડતી કારના ડ્રાઈવરે રાતે 10 વાગ્યાના અરસામાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ત્રણ યુવકનાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અન્ય કોલેજિયન મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે. ટ્રાફિક જે ડીવિઝન પોલીસની તપાસમાં આ દુર્ઘટના ઓવરસ્પિડ કાર પર કાબૂ ગુમાવતાં બની હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, વટવામાં પ્લેટીનિયમ ઈન્ડસ્ટ્રીયલ સામે આવેલા જયમીન પાર્કમાં રહેતા 20 વર્ષના નિતિન રાજકુમાર યાદવ એમ.જી. પટેલ કોલેજમાં થર્ડ બી.કોમ.માં અભ્યાસ કરે છે. વાસી ઉત્તરાયણે નિતિન સોસાયટીમાં જ રહેતા તેના મિત્રો યોગેશ અને સંદિપ સાથે પતંગ ચગાવતા હતા. રાત્રે દસ વાગ્યાના અરસામાં નિતિન યાદવ, ભૂપેન્દ્ર સિયારામ યાદવ, અલ્પેશ સુનિલભાઈ રાઠોડ, સંદિપ અજયસિંગ, રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ અને યોગેશ રાવલ નામના છ મિત્રો અલ્પેશની કારમાં દરરોજ બેસતા હતા ત્યાં જવા નિકળ્યા હતા.
ભૂપેન્દ્ર સિયારામ યાદવ કાર ચલાવતો હતો પણ વટવાના રીંગ રોડ તરફ જવાના રસ્તા ઉપર રૂપ એવન્યૂ સામે કાર પૂરઝડપે પસાર થતી હતી ત્યારે ભૂપેન્દ્ર યાદવે કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ઝાડ સાથે તેનું રૂફટોપ અથડાયું હતું. કારના આગળના કાચ, બોનેટ અને રૂફટોપનો ભૂક્કો બોલી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં અલ્પેશ સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 22, રહે. સહજાનંદ કોમ્પલેક્સ, વટવા), રાજેન્દ્ર જગદિશપ્રસાદ યાદવ (ઉ.વ. 20, રહે. જયમીન પાર્ક વટવા- વિંઝોલ રોડ) અને ભૂપેન્દ્ર સિયારામ યાદવ (ઉ.વ. 21, રહે. જયમીન પાર્ક, વિંઝોલ રોડ, વટવા)ના મત્યુ નિપજ્યા છે. નિતિન અને યોગેશને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.