Satyamev Jayate International School: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીનીઓના ડ્રેસ કોડને લઈને વિવાદમાં સપડાઈ છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ દ્વારા યુનિફોર્મના શોર્ટ સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર અચાનક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વાલીઓનું કહેવું છે કે સુરક્ષા, સ્વાસ્થ્ય અને અસહજતાના કારણોસર લેગિંગ્સ જરૂરી છે, જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું કહેવું છે કે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે નિશ્ચિત યુનિફોર્મમાં જ આવવું પડશે, જેમાં લેગિંગ્સનો સમાવેશ થતો નથી. આ વિવાદને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રિન્સિપાલે વચન આપ્યું છે કે જો વાલીઓ લેખિતમાં રજૂઆત કરશે તો સ્કૂલ આ અંગે ચોક્કસ નિર્ણય લેશે.
સ્કર્ટની ફરજિયાતની સૂચનાથી વાલીઓનો વિરોધ
બોપલમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ડ્રેસ કોડના નામે લેવાયેલા એક વિવાદાસ્પદ નિર્ણયથી વાલીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. વાલીઓના આક્ષેપ મુજબ, સ્કૂલ મેનેજમેન્ટે વિદ્યાર્થીનીઓને યુનિફોર્મના સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ સૂચના અચાનક આપવામાં આવતા વાલીઓએ તેને 'પ્રિન્સિપાલની દાદાગીરી' ગણાવી છે.
વાલીઓ રજૂઆત કરી રહ્યા છે કે અત્યાર સુધી સ્કૂલમાં લેગિંગ્સ પહેરવાની છૂટ હતી, પરંતુ છેલ્લા 10 દિવસથી આ છૂટ રદ કરવામાં આવી છે. વાલી નરેશ પ્રજાપતિએ જણાવ્યું કે, "અત્યારે નાની બાળકીઓ પર અત્યાચારની ઘટનાઓ બની રહી છે, વળી છોકરીઓ સ્કૂલમાં નીચે બેસે કે છોકરાઓ સાથે હોય, ત્યારે તેઓ સ્કર્ટમાં અસહજ અનુભવે છે. અન્ય શાળાઓ આ રીતે લેગિંગ્સ પહેરવાની ના નથી પાડતી." વધુમાં, તેમણે મચ્છર કરડવાથી બીમારી ફેલાવાની શક્યતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે જો વિદ્યાર્થીનીઓ લેગિંગ્સ પહેરીને આવે તો તેમને સાઈડમાં ઊભી રાખવામાં આવે છે અને એક અઠવાડિયા પછી કડક કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
પ્રિન્સિપાલનું નિવેદન: યુનિફોર્મ જ અમારી પ્રાથમિકતા
આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સ્કૂલનો મુખ્ય આગ્રહ છે કે વિદ્યાર્થીનીઓ માત્ર નિશ્ચિત સ્કૂલ ડ્રેસમાં જ શાળાએ આવે. પ્રિન્સિપાલે કહ્યું, "છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો. યુનિફોર્મ અમારી પ્રાથમિકતા છે અને સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ નીચે લેગિંગ્સનો સમાવેશ થતો નથી. જો કોઈ પણ વસ્તુ પહેરીને આવશે તો અમે કેવી રીતે એલાઉ કરીશું?"
જોકે, પ્રિન્સિપાલે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે જો વિદ્યાર્થીનીઓ નાના સ્કર્ટ પહેરતી હોય, તો સુરક્ષાના કારણોસર લેગિંગ્સ પહેરવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ તેમનો આગ્રહ ઘૂંટણથી નીચેના સ્કર્ટ પહેરવાનો છે. તેમણે અંતમાં જણાવ્યું કે વાલીઓએ આ અંગે જે રજૂઆત કરી છે, તેના પર સ્કૂલ ચોક્કસપણે નિર્ણય લેશે, ખાસ કરીને જો વાલીઓ તેમની માંગણી લેખિતમાં રજૂ કરે.