અમદાવાદઃ ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં દર વર્ષે ધામધૂમપૂર્વક થતી હોય છે. અમદાવાદમાં સેલિબ્રિટી પણ ઉત્તરાયણના રંગે રંગાતા હોય છે. આ દરમિયાન જીવરાજ પાર્ક બ્રિજ પાસે એક મોટી ઘટના બની હતી.

જીવરાજ પાર્ક બ્રિજ પાસે રસ્તા પર પતંગ લૂંટતા છોકરાઓને બચાવવા જતાં  કાર ચાલકે અચાનક બ્રેક મારતાં એક પછી એક એમ 10 ગાડીઓ અથડાઈ હતી. જેમાં બ્રિજ પર 5 અને બ્રિજના છેડે 5 ગાડીઓ મળી કુલ 10 કાર વચ્ચે અકસ્માત થયો હતો. જોકે કોઈને ઈજા નહોતી થઈ. આ વર્ષે બ્રિજ પર તાર ન બાંધ્યા હોવાને કારણે પણ રાહદારીઓને જોખમ છે.



આ દરમિયાન આજે સવારે અમદાવાદના જુના વાડજમાં યુવકનું ગળું કપાવવાની ઘટના બની છે. હાર્દિક સોલંકી નામના 30 વર્ષીય યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં લોહી નીકળવા લાગ્યું હતું. યુવકને સારવાર માટે અસારવા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.