અમદાવાદઃ અમદાવાદના ઘાટલોડીયામાં રહેતી 16 વર્ષની સગીરાને મુંબઈ બોલાવીને ત્રણ વિધર્મી યુવકોએ વારંવાર શરીર સુખ માણતાં સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ ત્રણેય હવસખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની તપાસ શરૂ કરી છે. સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેને હવસનો શિકાર બનાવનારા વિધર્મી યુવકોનાં નામ આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક છે. આરોપીઓએ સગીરાને મુંબઈમાં મોડલિંગ અને ડાન્સ શોમાં કામ આપવાને બહાને મુંબઈ બોલાવી હતી. દરમિયાન આરોપીઓએ સગીરાને ભગાડીને લઈ જઈને તેની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક નામના આ ત્રણ યુવકો સાથે સગીરાનો ઈન્સ્ટાગ્રામ દ્વારા પરિચય થયો હતો. આરોપીઓએ સગીરાને મોડલિંગ અને ડાન્સ શોમાં કામ અપાવવાની લાલચ આપીને મુંબઈ બોલાવી હતી. મુંબઈમાં ત્રણેયે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજારતાં તે ગર્ભવતી બની હતી. સગીરા અમદાવાદ પાછી આવી ગઈ હતી પણ આરોપીઓએ સગીરાને અશ્લીલ મેસેજ મોકલીને શરીર સુખ માણવા દબાણ ચાલુ રાખ્યું હતું. તેમણે સગીરાને અમદાવાદથી ઉઠાવી જવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સગીરા મુંબઈ જવા માટે ટયુશન જવાને બહાને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચી હતી. એ વખતે આરોપી જાવેદ મલેકે તેને સીમકાર્ડ ખરીદીને આપ્યું હતું અને ટ્રેનમાં બેસાડી હતી. સગીરા ઘરે ના આવતાં પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે વડોદરાથી સગીરાને બચાવી લીધી હતી. સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ થતા પોલીસે વડોદરાથી સગીરાને બચાવી લઈને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સારવાર અર્થે સગીરાને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તપાસમાં તે ચાર માસનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે સગીરાના પિતાએ આદીલ શેખ, ઓવેઝ અને જાવેદ મલેક વિરૂધ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ઘાટલોડીયા પોલીસ હાલ ત્રણેય આરોપીની શોધખોળ ચલાવી રહી છે.