અમદાવાદઃ  ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને દિવસની જેમ રાત્રે પણ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું રહેશે. ટ્રાફિક પોલીસે પરિપત્રમાં બહાર પાડ્યુ છે કે જે રીતે દિવસે શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમ પ્રમાણે વાહન ચાલકો ઊભા રહી જાય છે એવીજ રીતે રાતે પણ 21 જેટલા સિગ્નલો પણ તેમને ઊભું રહેવું પડશે. પ્રાથમિક ધોરણે ટ્રાફિક રાતે પણ સુચારુ રીતે ચાલે તે હેતુથી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોકે હાલ રાતે કોઈ દંડ લેવામાં આવશે નહી પરંતુ લોકો જાગૃત થાય તે હેતુથી આ નિયમને લાગુ કરવામાં આવી રહ્યો છે.


આ સિગ્નલો રાત્રે પણ રહેશે ચાલુ
હાલ 21 સિગ્નલો પર રાત્ર પણ સિગ્નલ ચાલુ રહેશે. જેમાં ઉસ્માનપુરા, ઈન્કમટેક્ષ, માઉન્ટ કાર્મલ, ડીલાઈટ, નેહરુબ્રીજ, ટાઉન હોલ, પાલડી, મહાલક્ષ્મી, પરીમલ ગાર્ડન, પંચવટી, બોડી લાઈન, ગિરિશ કોલ્ડ્રીંક, સ્વસ્તિક, સ્ટેડિયમ, ymca કલ્બ, કર્ણાવતી કલ્બ, પ્રહલાદ નગર, પકવાન, હેબતપુર કારગીત અને મહાલક્ષ્મી પાંચ રસ્તાનો સમાવેશ થાય છે. આ નિયમનું લોકો પાલન કરતા થઈ જશે ત્યાર બાદ અન્ય ટ્રાફિક સિગ્નલો ઉપર પણ રાત્રે સિગ્નલો ચાલુ કરવામાં આવી શકે છે.



5 થી વધુ ઈમેમો વાળા 1400 લોકો

અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે. ચાર વર્ષથી રૂ. 55 કરોડનો દંડ બાકી છે જેમાં 35 કરોડ તો 5થી વધુ ઇ મેમો વાળાના જ છે. એક કારચાલકે 38 હજાર રૂપિયાનો દંડ ભર્યો નથી. અજિત રાજિયાણ , ડીસીપી ટ્રાફિકના જણાવ્યા મુજબ આ રકમ 2015થી 2019 સુધીની છે અને હાલ 1400 લોકોને નોટીસ આપવામાં આવશે જેના 5થી વધુનું દંડ બાકી છે. આ કમિગીરીમાં RTOની મદદ પણ લેવામાં આવશે. નોંધનીય છે કે આ બાકી દંડની રકમ બધી રીતે વસૂલવામાં આવતી બાકી રકમનો દંડ છે.

દંડ ભરવા 10 દિવસનો સમય અપાશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા એક રિકવરી ટીમ બનાવવામાં આવી છે. જે લોકોના બાકી ઈ મેમા લેવાનું કામ કરશે. આ મુહિમ શરૂ કરવામાં આવશે ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે, અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઇસન્સ અને RC કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.