Ahmebabad: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હોવાથી પોલીસ પણ એકશનમાં છે. પોલીસે સ્ટેડિયમ પાસેથી શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. ડીસીપી ક્રાઈમ, ચૈતન્ય માંડલિકે જણાવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ઝોન 3 પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે સ્ટેડિયમ પાસે 30 વર્ષની આસપાસના બડગામના 4 કશ્મીરી યુવકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. હાલ પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે.


અમદાવાદમાં ભારતનો T20 રેકોર્ડ


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમગ્ર ભારતમાં 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012માં પાકિસ્તાન સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં અડધો ડઝન મેચ રમાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને બે મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમે અમદાવાદમાં છેલ્લી સતત બે મેચ જીતી છે. અહીં ભારતના મજબૂત રેકોર્ડ પરથી લાગે છે કે ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડનો રસ્તો આસાન નહીં હોય.


ટીમ ઈન્ડિયા આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે


ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2017થી તેની ધરતી પર ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં અજેય છે. વર્ષ 2017માં ભારતે ટી-20 સિરીઝમાં કિવિઓને 2-1થી હરાવ્યું હતું. અને 2021માં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. કિવિયો વર્ષ 2012માં ભારતીય ધરતી પર છેલ્લી વખત શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 2 મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસ વિશેષતાઓ શું છે?



  • આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે. આટલી દર્શક ક્ષમતા વિશ્વના અન્ય કોઈ ક્રિકેટ સ્ટેડિયમમાં નથી. અગાઉ આ સ્ટેડિયમમાં માત્ર 53000 દર્શકોની બેઠક ક્ષમતા હતી.

  • આ સ્ટેડિયમની વચ્ચે એક પણ પિલર નથી એટલે કે દર્શકોને મેચ જોવામાં કોઈ અડચણ નથી. ચાહકો કોઈપણ સ્ટેન્ડ પર બેસીને સમાન રીતે મેચનો આનંદ માણી શકે છે.

  • આ સ્ટેડિયમમાં કુલ 11 પિચો છે. આ સાથે આ સ્ટેડિયમમાં બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. 9-9 પિચો પણ છે. અહીં 6 ઇન્ડોર પિચ પણ છે, જ્યાં બેટિંગ માટે બોલિંગ મશીનની પણ સુવિધા છે.

  • આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ પણ જોડાયેલ છે.અહીં 76 કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં VIP દર્શકો મેચનો આનંદ માણી શકે છે. આ બધા ફુલ એસી બોક્સ છે અને દરેકમાં 25 સીટ છે.

  • દરેક સ્ટેન્ડમાં ભોજન અને આતિથ્યની વ્યવસ્થા છે, જેથી કોઈપણ ખૂણામાં બેઠેલા દર્શકોને જરૂરી તમામ સુવિધાઓ મળી શકે.

  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એકદમ આધુનિક છે. સામાન્ય રીતે વરસાદ પછી રમતને લાંબા સમય સુધી રોકવી પડે છે, પરંતુ આ સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ એવી છે કે આખું મેદાન માત્ર 30 મિનિટમાં સુકાઈ જાય છે.

  • આ સ્ટેડિયમમાં એલઈડી લાઈટો લગાવવામાં આવી છે, એટલે કે રાત્રે અહીં રમાતી મેચોમાં ખેલાડીઓનો પડછાયો નથી પડતો.