Ahmedabad:  અમદાવાદમાં AMTS બાદ હવે BRTS બસ વિવાદમાં આવી છે.  BRTS બસનો ચાલક ડ્રાઇવિંગ કરતા સમયે આઇપીએલ મેચ જોતા કેમેરામાં કેદ થયો હતો. અંજલિથી મણિનગર રૂટ પર દોડતી BRTS બસના ચાલકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલકના એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ છે. બે દિવસ પૂર્વે જ AMTS બસ ચાલકે કરેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.


એએમટીએસ બસે બાઇક ચાલકને કચડ્યો હતો


તાજેતરમાં જ  અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યો હતો. એએમટીએસ બસનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે 52 વર્ષિય નવીન પટેલ પોતાનું ટુ-વ્હીલર લઇને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.


અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10ના મોત થયા હતા


અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એક્સપ્રેસ વે પર ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર આઠ લોકોના ઘટનાસ્થળે જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે દરમિયાન નડિયાદ પાછળ બગડેલા ટેન્કર પાછળ ઘૂસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ શરૂ કરી હતી.