Ahmedabad: અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે તેના ભાઈ નકી આલમ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. તો નકી આલમ તરફની તેના ભાઈ તસ્લીમ આલમ સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.


કૉંગ્રેસ કોર્પોરેટર તસ્લીમ આલમે નકી આલમ સહિત ચાર વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો નકી આલમે તેના ભાઈ તસ્લીમ સહિત સાત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને પક્ષના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.


તસ્લીમ આલમે કરેલી ફરિયાદમાં ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નકી આલમ તરફથી કરાયેલ ફરિયાદમાં સાત પૈકી બેની ધરપકડ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે ગઈકાલે કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના નાના ભાઈ વચ્ચે લડાઇ થઇ હતી.  જેમાં નાના ભાઈએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તો લાકડીઓ વડે બંને ભાઈ અને તેમના પરિવારજનો એકબીજા પર તૂટી પડ્યા હતા. લાકડી વડે હુમલો કરાતા કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. જમીન વિવાદમાં બંને ભાઈ જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે હાલ તો બંન્ને તરફથી ફરિયાદો લઈ તપાસ શરૂ કરી હતી.


નોંધનીય છે કે બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિઝી અને તેમના ભાઈ નકી આલમ તિરમિઝી વચ્ચે શાહઆલમમાં જમીન બાબતે કેટલાય વર્ષોથી તકરાર ચાલી રહી છે ત્યારે જમીન મામલે ફરીથી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થયો હતો કે, નકી આલમે તસ્લીમ આમલ અને તેમના દીકરા પર ફાયરિંગ કર્યું હતું, ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગ દરમિયાન કોઇને ઇજા પહોંચી નથી. ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થતાં તસ્લીમ આલમના દીકરાને ઈજા પહોંચતા સારવાર માટે એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી ફઈક આલમ તિરમિઝી તાજુમલ આલમ અને મોહનિસ તિરમિઝીને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.