અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારના અચેર ગામમાં આવેલ ઠાકોરવાસમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અમદાવાદથી હત્યારાને ઝડપી પાડયો છે. મૃતકના સજાતીય સંબંધથી કંટાળીને આરોપી હત્યાને અંજામ આપી થયો ફરાર હતો.


આરોપી ઉમંગ ઉર્ફે કાનો દરજીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. અમદાવાદના દસ્ક્રોઇ તાલુકામાં આવેલ કુહા ગામનો રહેવાસી છે. આરોપી ઉમંગ અને મૃતક દેવેન્દ્ર રાવતનો દોઢ વર્ષ પહેલા ફેસબુક મેસેન્જર મારફતે સંપર્ક થયો હતો. છેલ્લા દોઢ વર્ષથી બંને જણા વચ્ચે મેસેજથી તથા whatsapp પર સજાતીય સંબંધ બાંધવાની વાતચીત કરતા હતા. જોકે 20 દિવસ પહેલા મૃતક દેવેન્દ્રભાઈએ આરોપીને તેના જુના ઘરે બોલાવી સજાતીય સંબંધ બાંધ્યો હતો.


સજાતીય સંબંધ બાંધવાની કુટેવ ધરાવતો મૃતક દેવેન્દ્રભાઈ વારંવાર સંબંધ બાંધવા માટે આરોપી ઉમંગને દબાણ કરતો હતો. જોકે આરોપીએ વારંવાર સંબંધ બાંધવાની ના પાડતા મૃતક વારંવાર મેસેજ વિડીયો કોલ કરીને હેરાન કરતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ તેના કોલ અને અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરતા મૃતકે સંબંધ બાંધવા માટે તેના ઘરે આવવાની ધમકી આપી હતી અને જો મૃતક ઘરે આવશે તો તેની બેઇજ્જતી થશે તેવું વિચારીને આરોપી ઉમંગે દેવેન્દ્રભાઈના ઘરે જઈને તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ફરાર થઈ ગયો હતો. હત્યા બાદ આરોપી મૃતકના ગળામાં પહેરેલી ચેઇન, મોબાઈલ ફોન અને બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૃતકના મોબાઈલ ફોનના લોકેશનના આધારે કુહા ગામમાંથી આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.


આરોપીની સઘન પૂછપરછ કરતા વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરોપીએ હત્યા બાદ ગળામાંથી લુટેલી સોનાની ચેઇન ૬૫ હજાર રૂપિયામાં ઓઢવમાં એક સોનીને વેચી નાખી હતી અને તેમાંથી ૪૦ હજાર રૂપિયા તેની સ્ત્રી મિત્રને આપ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઈકની નંબર પ્લેટ તોડીને ગટરમાં નાખી દીધી હતી અને ત્યાર બાદ નવી ફેન્સી નંબર પ્લેટ લગાવી દીધી હતી. જોકે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી ને વધુ તપાસ હાથ ધરી છે.