અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કપડાથી હાથ બાંધી તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. મૃતક શાહરુખ ઉર્ફે મસરી હોવાનું સામે આવ્યું છે. મૃતક થોડા દિવસથી ગુમ હતો.
ધડ અને ખોપરીનો ભાગ અલગ કરી પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી હત્યારાઓ લાશ ફેંકી ફરાર થઈ ગયા છે. દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, યુવકને કોણે અને કેમ હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
અન્ય એક ઘટનામાં, અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, છલાંગ લગાવતા પહેલા જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી. બ્રિજ ઉપરથી છલાંગ લગાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.
સુરતના પાંડેસરા રણછોડ નગરમાં એક 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સુવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
પિતાએ મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. પિતાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમને સુવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે ચાર વાગે ખબર પડી હતી. દીકરાની માતા પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ હેબતાઈ ગઈ હતી. બુમાબુમ કરતા હું દોડી ને ગયો તો પુત્ર લટકી રહ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, રડાવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી. પોતે કરીયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું જણાવ્યું હતું. ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો.