Ahmedabad Skoda accident: અમદાવાદના મીઠાખળી છ રસ્તા નજીક શનિવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પૂરઝડપે આવતી એક સ્કોડા કારે અંધાધૂંધી મચાવી હતી, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના સાંજે 6:30 વાગ્યે જૈન દેરાસર પાસે બની હતી, જ્યારે એક સ્કોડા કારના ચાલકે બેફામ ગતિએ ગાડી ચલાવીને પ્રથમ એક એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારી, ત્યારબાદ અન્ય ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં, કારે આગળ જઈને એક સ્વીફ્ટ કારને પણ ટક્કર મારી અને પછી રોકાઈ હતી.


અકસ્માતના પગલે ઘટનાસ્થળે આશરે 250 લોકોનું વિશાળ ટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કારચાલક દારૂના નશામાં ધૂત હતો.


અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આરોપી કારચાલક ભાવિક ઉર્ફે નિલેશ પટેલની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ઘટના અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ, એક્ટિવા ચાલક, નવરંગપુરાના રહેવાસી 40 વર્ષીય રોનકબેન પરીખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઘાયલની હાલત હજુ પણ ગંભીર છે.


ટ્રાફિક DCP નીતા દેસાઈએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને હજુ સુધી CCTV ફૂટેજ મળ્યા નથી, પરંતુ અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ પોલીસકર્મીની આ ઘટનામાં સંડોવણી જણાશે, તો અમે તેમને બક્ષીશું નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." તેમણે ઉમેર્યું કે, "પ્રાથમિક તપાસમાં આરોપી નશાની હાલતમાં હોવાનું જણાયું છે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપી લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે."


DCP દેસાઈએ વધુમાં જણાવ્યું કે, "પોલીસ લખેલી કાળા કલરની હેરિયર કાર અને તેમાં સવાર લોકો વિશે પણ તપાસ કરવામાં આવશે. જો કોઈ પોલીસ કર્મચારીએ આરોપીને મદદ કરી હોવાનું પુરવાર થશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."


અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બહાર લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું, જે ઘટનાની ગંભીરતા દર્શાવતું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સેક્ટર 1 જેસીપી, ઝોન 1 એસીપી, ટ્રાફિક ડીસીપી અને સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ ઉપરાંત, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતે સમગ્ર અમદાવાદ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.


આ પણ વાંચો....


ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા