Ahmedabad: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજસેલ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્લેન ક્રેશ થયાની જાણ થતા જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે.  ANIના અહેવાલ અનુસાર વિમાનમાં સવાર 242 લોકોના મોત થયા હોવાની આશંકા છે.

ANI અનુસાર પ્લેનમાં 242 લોકો સવાર હતા. BSF રેસ્ક્યૂ માટે જવા રવાના થઈ છે. વિમાન 1.38 વાગ્યે ટેકઓફ થયું, 1.40 વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. લંડનની ફ્લાઈટ હોવાના કારણે ફૂલ ઈધણ ભર્યું હોવાથી મોટી જાનહાની થઈ છે. વિમાન બોઈંગ ડ્રીમ લાઈનર 787 હતું. સામે આવેલી વિગતો અનુસાર આ વિમાનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ સવાર હતા. હાલમાં આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવવા રવાના થયા છે. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર ડોક્ટરોને હોસ્પિટલમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

 

આ અંગે વિગતે વાત કરીએ તો, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ પ્લેન ક્રેશ થયું હતું.  મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા.IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. સામે આવેલી વિગતો અનુસાર પ્લેન વૃક્ષ સાથે અથડાયું હતુ. હાલમાં એરપોર્ટ આસપાસના રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. વિમાન દુર્ઘટનાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ અસર થઈ છે.રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતા મોટું નુકસાન થયું છે.

 

સામે આવેલી તસવીરોમાં વિમાનની એક પાંખ તૂટી ગઈ છે. ફાયરની ગાડીઓ પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, આગ પર અમુક હદ સુધી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું.

 

ચારેબાજુ અરાજકતાનો માહોલ છે, આ ભયાનક અકસ્માત જોઈને લોકો ડરી ગયા છે અને આમતેમ દોડી રહ્યા છે. વિમાન સંપૂર્ણપણે નુકસાન પામ્યું છે. વિમાનનો મોટાભાગનો ભાગ બળીને રાખ થઈ ગયો છે. જે ઇમારત પરથી વિમાન પડ્યું હતું તેને પણ નુકસાન થયું છે. એરપોર્ટની નજીક એક સિવિલ હોસ્પિટલ છે, જ્યાં તમામ ડોકટરોની રજા રદ કરવામાં આવી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, અમદાવાદથી ઉડાન ભરેલું આ વિમાન લંડન તરફ જઈ રહ્યું હતું.