અમદાવાદઃ અમદાવાદના ઘોટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝારખંડના બે આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 2 નવેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.  આ હત્યારાઓને પકડવા ક્રાઈમ બ્રાંચની 12, ઘાટલોડિયા પોલીસની 3 અને ટેકનિકલની 2 ટીમ કામે લાગી હતી.


પોલીસ તપાસમાં સોસાયટીની પાછળ જ ચાલતી કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા બે લોકો પર શંકા જતા અટકાયત કરી હતી. જે બાદ બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે રૂપિયાની જરુર હોવાથી તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓ વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘૂસ્યા હતા અને ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી. બાદમાં ઘરમાં તિજોરીની તપાસ કરી પરંતુ કંઈ ન મળતા રવાના થયા હતા.


હત્યા બાદ બીજા દિવસે બંને આરોપીઓએ ફરાર થવાનો પ્લાન કર્યો હતો પરંતુ ઘરમાંથી કઈ ન મળતા સાઈટ પર જ રહેતા હતા. અમદાવાદ  પોલીસે આ હત્યા કેસમાં ઝારખંડના ખુંટી ગામના મકુટ હપગદડા અને ઈમન તોપ નામના આરોપીની ધરપકડ કરી હતી.


 


મોડાસાના ડેપ્યુટી કલેક્ટરની અટકાયત કરાઇ


અરવલ્લીના મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની અટકાયત કરવામાં આવી છે.  ડેપ્યુટી કલેકટર પર છેલ્લા એક વર્ષથી યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલવાનો આરોપ છે.  ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર અગાઉ પરિચયમાં આવ્યા હતાં ત્યારબાદ મેસેજ અને ફોટાનો સિલસિલો શરૂ થયો હતો.


અશ્લિલ ફોટા અને મેસેજથી કંટાળીને ડેપ્યુટી કલેકટર વિરુદ્ધ યુવતીએ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતી પણ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના પગલે સાઈબર ક્રાઈમે આખરે ડેપ્યુટી કલેકટરની અટકાયત કરી છે.