અમદાવાદઃ અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય હાથ ખેંચી પોલીસકર્મચારીને કહી રહ્યા છે કે, “હું કહું એટલે ઉભા રહી જવાનું નહીં તો સસ્પેન્ડ થશો. ઓળખો છો મને ?. ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે.”


આ વીડિયો વાયરલ થયા પછી ASI ઉદેસિંહ પટેલે abp અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે, ધારાસભ્ય પ્રદીપ પરમારે મારી સાથે ગેરવર્તન કર્યું છે. મેં આ બનાવ અંગે મારા ઉપરી અધિકારીને જાણ કરી છે. મારા અધિકારી કહેશે તે મુજબ આગળ કાર્યવાહી કરીશ. અમે અમારું કામ કરી રહ્યા હતા. ધારાસભ્યએ પાછળથી આવીને પ્રજાને કેમ હેરાન કરો છો એમ કહ્યું. અમે કોઈ ગાડી ત્યાંથી ઉપાડી પણ ન હતી. જે ભાષામાં ધારાસભ્યએ વાત કરી, તેમ ન કરવી જોઈએ.


ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. 


તેઓ આ જોઈને ઊભા રહ્યા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવી ધારાસભ્ય હોવાનો રોફ જમાવી ASIનો હાથ પકડી કહ્યું અહીં ઉભા રહો. ASIએ કહ્યું કે હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ અને ધમકી આપતા કહ્યું કે, હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?. જ્યારે ધારાસભ્ય દાદાગીરી કરી રહ્યા હતા તે સમયે તેઓએ માસ્ક પણ નહોતું પહેર્યું.