અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસની બિલ્ડીંગનો ભાગ ઘરાશાયી થયો છે. ત્રણ માળની બે બિલ્ડિંગ (બ્લોક નંબર 23 અને બ્લોક નંબર 24) ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ગુરુદ્વારા પાસે જીવનજ્યોત સોસાયટી નજીક આ ઘટના બની છે. બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થવાના કારણે 8 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 10 લોકો દટાયા હોવાની આશંકા છે. જ્યારે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર વધારે લોકો પણ હોઈ શકે છે. અમદાવાદના ઓઢવમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હોવાથી તેને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આજે સવારે એએમસીના કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું. તેમ છતાં અનેક લોકો તેમાંથી બહાર નીકળ્યા નહોતા.