Ahmedabad:  અમદાવાદમાં માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. હત્યાના આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા સાથે અન્ય એક પોલીસ કર્મી હોવાનો ખુલાસો થયો છે. દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રને ભગાડવામાં મદદ કરી હતી.


મળતી માહિતી મુજબ વિરેન્દ્ર હત્યા કરીને ઘરે ગયો હતો. આરોપી પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ગયો હતો અને બાદમાં બે કાર બદલીને તે પંજાબ પહોંચ્યો હતો. જો કે હાલ તો તેની ધરપકડ કરી અમદાવાદ લવાયો છે. જો કે વિદ્યાર્થીની હત્યા પહેલાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા કાર સાથે CCTVમાં કેદ થયો છે. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે.આ સમયે કાર ચાલકને 'એ ધીરે ચલાવ' કહીને બન્ને મિત્રો આગળ નીકળી જાય છે. પરંતુ હેરિયરચાલક યુ-ટર્ન લઈને તેમનો પીછો કરે છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ કારચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. આ જ CCTV ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરની 300 હેરિયર કાર ચેક કરી હતી. તપાસ કરતાં સરખેજના પોલીસકર્મી વિરેન્દ્રસિંહની કડી મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મર્ડરની રાત્રે વિરેન્દ્રસિંહ બહાર જવા નીકળ્યો હતો. આખરે પોલીસે 80 જેટલા સીસીટીવી ચેક કરીને હત્યારા વિરેન્દ્રસિંહ સુધી પહોંચી હતી અને પંજાબથી ઉઠાવ્યો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી હતી.  


બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 10 નવેમ્બરના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સાથે મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે ગયા હતા. બાદમાં વકિલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહ્યું હતું. જોકે બાદમાં કાર ચાલક તેમની પાછળ આવ્યો હતો અને બુલેટ રોકવાનું કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદમાં પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો હતો. બાદમાં કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેના મિત્રો ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું.