Ahmedabad Corona Cases: ગુજરાતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે 15 મોત થયા હતા.
અમદાવાદ શહેરમાં 21 જાન્યુઆરીની સરખામણીમાં 22 જાન્યુઆરીએ કોરોનાના દૈનિક કેસમાં ૪૩૩ કેસનો ઘટાડો થતા શનિવારે શહેરમાં કોરોનાના નવા 8194 કેસ નોંધાયા હતા.પાંચ સંક્રમિત દર્દીના મોત થયા હતા.શહેરમાં હાલમાં કોરોનાના 43 હજાર એકિટવ કેસ પૈકી 30 હજાર એકિટવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં નોંધાયેલા છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 172 દર્દી પૈકી 65 દર્દી ઓકિસજન અને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સતત ચોથા દિવસે પણ અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર જોવા મળ્યો હતો.શનિવારે 2635 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 1 ડીસેમ્બરથી 22 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના 90867 કેસ નોંધાવા પામ્યા હતા. 33937દર્દી કોરોના મુકત થયા હતા.આ સમય દરમ્યાન કુલ ૩૮ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૦ દર્દીના મોત થવા પામ્યા હતા.શનિવારે મ્યુનિ.તંત્ર તરફથી શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી 5141 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને 11356 લોકોને રસીનો બીજો ડોઝ તથા 6201 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ 22698 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. 15થી 18 વર્ષની વયના 2055 બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.
માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા કેટલા પર પહોંચી
શહેરમાં 165 એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી 11 સ્થળમાંથી નિયંત્રણ દુર કરાયા બાદ શનિવારે વધુ 27 સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા. 12 સ્થળ દક્ષિણ-પશ્ચિમ ઝોનના ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર અને પશ્ચિમ ઝોનના બે મળી પશ્ચિમ વિસ્તારના ત્રણ ઝોનના 18 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.દક્ષિણ ઝોનના સાત સ્થળ તથા ઉત્તર અને પૂર્વ ઝોનના એક-એક સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાતા 181 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.
આ વોર્ડમાં સૌથી વધુ કોરોનાના કેસ
શહેરના પશ્ચિમ ઝોનમાં જ ૩૦ હજાર જેટલા એકિટવ કેસ છે.જોધપુર ઉપરાંત બોપલ અને બોડકદેવ વોર્ડમાં શનિવારે સૌથી વધુ કેસ નોંધાતા જોધપુર અને બોપલ વોર્ડમાં વધુ આઠ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.જુહાપુરા અને સરખેજના ચાર સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતાના ત્રણ અને ચાંદલોડીયા વોર્ડના એક સંક્રમિત સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં માણેકબાગ સોસાયટી અને બંગલોઝના એક-એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.દક્ષિણ ઝોનમાં વટવા ઉપરાંત લાંભા,ઘોડાસર અને ઈસનપુર વોર્ડના કુલ સાત સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.ઉત્તરઝોનમાં કુબેરનગર અને પૂર્વ ઝોનમાં નિકોલના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.