અમદાવાદઃ દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં ઉથલો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 4 જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 38 લોકોના મોત થયા છે. આ અંગે તારીખ પ્રમાણે જોઇએ તો ગઈ કાલે 24 તારીખે 323 કેસ નોંધાયા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા.

ગત 23મી તારીખે 319 કેસ નોંધાયા હતા, જ્યારે 13 લોકોના મોત થયા હતા. 22 તારીખે 318 કેસ નોંધાયા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા અને ગત 21 તારીખે 354 કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત થયા હતા. આમ કુલ, ચાર દિવસમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે ચાર દિવસમાં કુલ 1354 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રણ વધતા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન પણ સતત વધી રહ્યા છે. બે દિવસ પહેલા શહેરમાં 162 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં પણ સતત ઉમેરો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે અત્યારે નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ કોર્પોરેશને સંક્રમણ વધતા કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.